Skip to main content
Uncategorized

ભારતના કામદાર વર્ગની પરિસ્થિતિ

આ ડોસિયર ભારતના વિશાળ અને વૈવિધ્યસભર કામદાર વર્ગના જીવન અને કાર્યકારી પરિસ્થિતિઓનું વ્યાપક વિશ્લેષણ પ્રદાન કરે છે.

ડોસિયર નંબર 64

બિરેન્દ્ર કુમાર યાદવ, વૉકિંગ ઓન ધ રૂફ ઑફ હેલ(નરકની છત પર ચાલવું), 2016. ખડાઉ (લાકડાના સેન્ડલ).

આ ડોસિયરમાં કલાકૃતિઓ બિરેન્દ્ર કુમાર યાદવ દ્વારા છે.યાદવ એક બહુ-વિષયક ભારતીય કલાકાર છે તથા તેઓ ખાણકામદારો અને સ્થાનિક લોકોની પીઠ પર બનેલ લોખંડની કાચી ધાતુ અને કોલસાના શહેર ધનબાદના છે. કોલસાની ખાણમાં કામ કરતા એક લુહારના પુત્ર તરીકેના તેમના પ્રારંભિક અનુભવો દ્વારા સુમાહિતગાર યાદવનું મોટા ભાગનું કાર્ય વર્ગીય ઉંચનીચના મુદ્દાઓ અને કામદાર વર્ગની દુર્દશા તરફ ધ્યાન દોરે છે.

બિરેન્દ્ર કુમાર યાદવ, ભુંસાયેલા ચહેરાઓ, 2015. આર્કાઇવલ પ્રિન્ટ્સમાં ઇંટો બનાવનારની છબીઓ પર તેમના અંગૂઠાના નિશાન છે.

 

બે તથ્યોએ સમકાલીન ભારતમાં શાંતિના દેખાવને છિન્નભિન્ન કરી નાખ્યો. સૌપ્રથમ, કોવિડ-19 એ ભારતની આરોગ્ય પ્રણાલીના દાયકાઓથી ચાલતા અધ:પતન અને કેન્દ્ર સરકારની સંપૂર્ણ અસમર્થતાનો પર્દાફાશ કર્યો, જે વૈજ્ઞાનિક રીતે આધારિત, શાંત નેતૃત્વ પુરુ પાડવાને બદલે લોકોને થાળીઓ ખખડાવવાનું સૂચિત કરવા માટે આતુર હતી. બીજું, ભારતીય ખેડૂતો અને કિસાનોએ ભારતમાં ખેતીના અસ્તિત્વને જોખમમાં મૂકતા કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા ત્રણ બિલો(ખરડાઓ) સામે રોગચાળા દરમિયાન એક વર્ષ સુધી વિરોધ કર્યો હતો. તેમનો વિરોધ, જેને શ્રમજીવી વર્ગ અને મધ્યમ વર્ગના મોટા હિસ્સા તરફથી સમર્થન મળ્યું હતું, તે પીછેહઠ કરવાની આદત ન ધરાવતી સરકાર સામે જીતવામાં સક્ષમ નિવડ્યો હતો.

સરકાર તરફથી અને જાહેર યુનિવર્સિટીઓની લોકશાહી ભૂમિકાને નિસ્તેજ કરવા માટે વિકસેલા પ્રબુદ્ધ મંડળ (થિંક ટેન્ક)માંથી ઉદ્ભવતા સિદ્ધાંતો વાયરસની અસર અથવા ખેડૂતો અને કિસાનોની રાજકીય સ્થિતિસ્થાપકતા સમજાવી શક્યા નહોતા. નગ્ન લોભના ઈતિહાસને પ્રદર્શિત કરવા માટે તેમના સુંદર સિદ્ધાંતોનો મુખવટો ખુલ્લો પડી ગયો. ‘શ્રમ બજાર ઉદારીકરણ’ અને ‘વેપાર ઉદારીકરણ’ જેવા શબ્દસમૂહોએ કાર્યક્ષમ, આધુનિક સમાજનું નિર્માણ કર્યું નથી. તેના બદલે, જાહેર આરોગ્ય પ્રણાલીમાં દાયકાઓના કાપ, રોગચાળા દરમિયાન સંભાળ પૂરી પાડવા માટે ઓછા પગારવાળા ‘સ્વયંસેવકો’નો ઉપયોગ અને ચૂંટાયેલા પદાધિકારીઓ દ્વારા અવૈજ્ઞાનિક વિચારોના પ્રચારના પરિણામે મોટા પ્રમાણમાં કોવિડ -19 ના મૃતકોની સંખ્યા વધી હતી. આ દરમિયાન, નવઉદારવાદી સિદ્ધાંતના પાઠ્યપુસ્તકોમાંથી નીકળતા આ શબ્દસમૂહો કૃષિ કોમોડિટી બજારોનું નિયંત્રણ મોટા કોર્પોરેશનોને સોંપવા માટે બૌદ્ધિક આવરણ પૂરું પાડે છે, જેમાંના ઘણાના શાસક પક્ષ સાથે ઘનિષ્ઠ સંબંધો છે.

આ મુખવટાની તિરાડોએ 1991 માં શરૂ થયેલા નવઉદારવાદી યુગની ભારતમાં અસામાજિક અસર પર પ્રકાશ પાડ્યો હતો. મીડિયા સમૂહો અને દિવ્ય પુરુષો જેમણે વધુ મૃત્યુ અટકાવવા માટે સરકારની પ્રશંસા કરવાનું શરૂ કર્યું હતું તેના દ્વારા ઝાંખા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવા છતાં આ પ્રકાશ તેજસ્વી બની ગયો હતો. પરંતુ તેમ છતાં પ્રકાશ ચમક્યો, અને તેણે સામૂહિક ચેતના પર અસર કરી, પછી ભલે તે વિરોધ પક્ષોને તાત્કાલિક ચૂંટણી લાભમાં પરિણમી ન હોય.

જૂન 2021 માં, ટ્રાઈકોન્ટિનેન્ટલ: ઈન્સ્ટિટ્યૂટ ફોર સોશિયલ રિસર્ચે ડોસિયર નંબર 41, ‘ભારતનો ખેડૂત બળવો’માં ખેડૂતના વિરોધનું મૂલ્યાંકન પ્રકાશિત કર્યું હતું. તે ડોસિયરે સમજણ આપી હતી કે કેવી રીતે નવઉદાર નીતિએ ભારતીય ખેડૂતો અને જમીનવિહોણા ખેડૂતોને ખોખલા કરી દીધા છે, ગ્રામ્ય વિસ્તારોમાં અસમાનતા અને પીડામાં વધારો કર્યો છે. આ ડોસિયર, ભારતના કામદાર વર્ગની પરિસ્થિતિ, ભારતના વિશાળ અને વૈવિધ્યસભર કામદાર વર્ગના જીવન અને કામ કરવાની પરિસ્થિતિઓનું વ્યાપક વિશ્લેષણ પ્રદાન કરે છે.


બિરેન્દ્ર કુમાર યાદવ,સરકારનું કામ ભગવાનનું કામ છે, 2017. મુંબઈ આર્ટ રૂમ(કલા ખંડ)ના પ્રવેશદ્વાર પર લગાવવામાં આવેલી LED લાઇટ.

 

Top

લૉકડાઉન

24 માર્ચ 2020 ના રોજ, ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોઈપણ પૂર્વસૂચના વિના દેશની 1.4 અબજની વસ્તી માટે ‘સંપૂર્ણ લોકડાઉન’ની જાહેરાત કરી નાખી. નાના અને મધ્યમ કદના વ્યવસાયો, જેઓ ભારતના મોટાભાગના કામદાર વર્ગને રોજગારી આપે છે, તેઓએ તેમના શટર નીચે ખેંચી લીધા. લોકડાઉનને કારણે, ઓછામાં ઓછા 12 કરોડ કામદારો અથવા ભારતના બિન-કૃષિ કામદાર વર્ગના 45 ટકાએ તેમની નોકરી ગુમાવી. માલિકો તેમના કામદારોને ચૂકવણી કરવા માટે કોઈ નૈતિક અથવા કાનૂની જવાબદારી હેઠળ ન હતા, જેમાંથી ઘણા કામદારોને તેમના પાછલા વેતન પણ મળ્યા ન હતા. કેટલાક કામદારો પાસે માત્ર થોડા દિવસોનું જ અન્ન હતું જ્યારે અન્ય લોકો પાસે પૈસા કે અન્ન બિલકુલ ન હતું અને ઘણાને તેઓ જે ઝૂંપડપટ્ટીઓમાં રહેતા હતા ત્યાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. જાહેર જનતાના દબાણ અને આ બિનઆયોજિત લોકડાઉનને કારણે લાખો લોકો ભૂખે મરશે તેવી સંભાવનાનો જોઇને, સરકારે 26 માર્ચે એક નજીવા સહાય પેકેજની જાહેરાત કરી હતી જે ભારતના કુલ ઘરેલુ ઉત્પાદનના 1 ટકા કરતા પણ ઓછું હતું.

લોકડાઉને ભારતીય કામદાર વર્ગની દયનીય સ્થિતિને ઉજાગર કરી.કામદાર સમુદાયના વિશાળ વર્ગને બેઘર અને ભૂખમરા તરફ ધકેલી દેવા માટે માત્ર એક નાનકડા ધક્કાની જરૂર હતી. શહેરોમાં કામદારો, જેમાંથી લગભગ તમામ દૂરના શહેરો અને ગામડાઓમાંથી સ્થળાંતરિત હતા, તેમને ન તો સરકાર તરફથી કોઈ નોંધપાત્ર સમર્થન હતું કે ન તો સમુદાય અને કૌટુમ્બિક માળખાની સુરક્ષા.1

લાખો-કરોડો હતાશ પ્રવાસી મજૂરોએ કર્ફ્યુની અવજ્ઞા કરી અને હજારો કિલોમીટર ચાલીને તેમના મૂળ વતનોમાં ગયા. તેમના માટે, ગામો આશ્રય, સલામતી અને અમુક પ્રકારનું ગૌરવ પ્રદર્શિત કરતા હતા. કેટલાક પરિવહનની શોધમાં રેલ્વે અને બસ સ્ટેશનો તરફ ઉમટી પડ્યા હતા જ્યારે અન્ય લોકો રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર પગપાળા ગયા હતા. જેમના ગામડાઓ આવી મુસાફરી કરવા માટે ખૂબ દૂર હતાતેમના સહિતનાઅન્ય લાખો કામદારો શહેરોમાં જ રહ્યા અને અજાણ્યાઓની દયા પર નિર્ભર હતા. ટ્રેડ યુનિયનો, ડાબેરી રાજકીય પક્ષો, પગારદારી કર્મચારીઓ (મુખ્યત્વે બેંકના કર્મચારીઓ અને ઈન્ટરનેટ ટેક્નોલોજીના કર્મચારીઓ), સંવેદનશીલ વ્યક્તિઓ અને અન્ય લોકોએ વિના વિલંબે કામદારોને ખોરાક અને પાણી પુરું પાડવા અને તેમના ગામડાઓમાં પાછા ફરવામાં મદદ કરવા જૂથો બનાવ્યા. રાજ્ય તરફથી પ્રતિક્રિયા લાક્ષણિક જ રહી હતી. પોલીસે રાજ્યની સરહદો પર મજુરોને અટકાવ્યા; કથિત રીતે તેમને સેનિટાઈઝ કરવા માટે વૉટર કેનન દ્વારા તેમના પર ઔદ્યોગિક બ્લીચનો છંટકાવ કર્યો; તેમની સાયકલો જપ્ત કરી; અને તેમને કર્ફ્યુનું ઉલ્લંઘન કરવા બદલ માર માર્યો. કામદારોના કલ્યાણની જવાબદારી નિભાવવા માટે કોઈ કોર્પોરેશન આગળ ન આવ્યું, તેમનું વલણ સરકાર જેટલું જ ઉદાસીન હતું.

શહેરોમાં ફસાયેલા લાખો કામદારોને સૌથી ખરાબ પરિસ્થિતિઓમાં રોગચાળાનો સામનો કરવો પડ્યો હતો. મોટાભાગનો શહેરી મજૂર વર્ગ – શહેરી ભારતનો લગભગ અડધો ભાગ – ઝૂંપડપટ્ટીમાં રહે છે, જ્યાં હવા ખરાબ છે અને આસપાસનું વાતાવરણ ગંદુ છે. ખીચોખીચ રીતે ભરેલી ઈંટો અને શેડમાં પ્રકાશ ભાગ્યે જ પ્રવેશે છે, જે દરેક નિવાસને બીજાથી માત્ર થોડા ઇંચથી અલગ કરે છે. પરિવારોને સાંકડા રૂમમાં સજ્જડ રીતે ભરવામાં આવે છે, જ્યાં એકાંત અને શ્વાસ લેવાની જગ્યા અજાણી છે. પ્રવાસી મજૂરો તેમના નજીવા સામાન સાથે એક રૂમમાં એકબીજા પર ઊંઘતા હોય છે. આમાંની મોટાભાગની ઝૂંપડપટ્ટીઓ, જ્યાં ગટરની યોગ્ય વ્યવસ્થા નથી, આસપાસનો વિસ્તાર શૌચાલય બની રહ્યો છે. સામાજિક આપત્તિનું વર્ણન કરવું મુશ્કેલ છે. કામદારો તૂટી ગયેલી સેપ્ટિક ટાંકીઓમાં પડતા હોય છે, ગંદકીમાં ડૂબતા હોય છે. રસોઈ ઉર્જાના મુખ્ય સ્વરૂપરૂપે ગેસ સિલિન્ડર હોય છે, જેમાં દિશા-નિર્દેશોને અવગણીને ગેસ ભરવામાં આવતો હોય છે અને તેને કારણે દર બીજા દિવસે ગેસ સિલિન્ડર ફાટવાના બનાવો બનતા હોય છે.ભારે ચોમાસાના વરસાદ દરમિયાન આસપાસનો વિસ્તાર જળબંબાકાર થઈ જાય છે, જેમાં મરડો, ડેન્ગ્યુ, મેલેરિયા અને ટાઈફોઈડને છુટ્ટો દોર મળી જાય છે. રોગચાળો એ કામદારો માટે માત્ર એક વધુ બોજ હતો. ગીચોગીચ ઝૂંપડપટ્ટીઓમાં પૂરાઈને, જ્યાં સામાજિક(શારીરિક sic) અંતર અશક્ય છે, તેઓએ તેમના સમુદાયોમાં વાયરસ ફેલાતો જોયો.આ મજૂરો ભારત સરકાર અને ઉચ્ચ વર્ગની દૃષ્ટિ અને મનની બહાર હતા, આ તેમનું વલણ હતું.

કોવિડ -19 દ્વારા ફેલાવવામા આવેલા પ્રકોપનું પ્રમાણ છુપાવી શકાયું નહોતું. મજૂર વર્ગ અને ગરીબોની લાશો ગંગા નદીમાં તરતી જોવા મળી હતી અને દેશભરના સ્મશાનો અને કબ્રસ્તાનોમાં તેનો ઢગલો થતો જોવા મળ્યો હતો. કામદાર વર્ગના વિસ્તારોમાં સંક્રમણ અને મૃત્યુના ઊંચા દરના સ્પષ્ટ પુરાવા અને પ્રાથમિક જાણકારી હોવા છતાં સરકારે આંકડાઓને છુપાવવાનું તથા ચેપ અને જાનહાનિને ઓછી આંકવાનુ શરૂ કર્યું. જાહેર આરોગ્ય પ્રણાલીની સ્થિતિ કથળતી રહે તેની દેખરેખ રાખનારી અને ફાર્માસ્યુટિકલ ઉદ્યોગને ખાનગી ક્ષેત્રને સોંપી દેનારી સરકાર સ્પષ્ટપણે કામદારોના સ્વાસ્થ્ય કરતાં ‘બજાર’ અને અબજોપતિઓના સ્વાસ્થ્યમાં વધુ વ્યસ્ત દેખાઈ આવતી હતી.
દેશની કોવિડ-19 રસીઓમાં બે ભારતીય ફાર્માસ્યુટિકલ કંપનીઓની ઈજારાશાહી હતી. રોગચાળો નિયંત્રણમાંથી બહાર નીકળી ગયો હોવા છતાં, સરકારે રસીઓનું ઉત્પાદન વધારવા માટે સક્ષમ જાહેર ક્ષેત્રની કંપનીઓને આગળ લાવવામાં વિલંબ કર્યો. એક રસી સરકારી સંશોધન સંસ્થાઓ દ્વારા વિકસાવવામાં આવી હતી. તે જોતાં, જાહેર ક્ષેત્રને રસીના ઉત્પાદન અને વિતરણમાં વધારો કરવાનું કામ સરળતાથી સોંપી શકાયું હોત. જે સ્પષ્ટપણે જનતાના શ્રેષ્ઠ હિતમાં હતું પણ તે મૂડીના શ્રેષ્ઠ હિતમાં નહોતું. દેશના ઈતિહાસમાં જોવા મળેલી સૌથી ખરાબ જાહેર આરોગ્ય કટોકટીમાં હસ્તક્ષેપ કરવાને બદલે, જ્યારે ખાનગી કંપનીઓએ ભારે નફો કર્યો અને ભારતના કામદાર વર્ગને રસી આપવાની અવગણના કરી ત્યારે ભારત સરકાર તેમની સાથે રહી. આ બે ફાર્માસ્યુટિકલ કંપનીઓમાંથી એક કંપનીને એક ડોઝ દીઠ 2,000 ટકા સુધીનો નફો કર્યો જ્યારે બીજીએ 4,000 ટકા સુધીનો નફો કર્યો.2 માર્ચ 2020 થી માર્ચ 2022 સુધીમાં, ભારતના મોટા ઉદ્યોગોનો નફો બમણો થયો અને દેશના અબજોપતિઓનીસંપત્તિ પણ વધી.3

 

બિરેન્દ્ર કુમાર યાદવ, ભાગ્યનો કાટમાળ, 2015. કાટમાળ પર ભારતીય શાહી.

 

Top

ઉદારીકરણ પહેલાના યુગમાં કામદારો

1944 માં, બ્રિટિશ સામ્રાજ્યવાદીઓને ભારતમાંથી બહાર કાઢી નાખવાના ચાર વર્ષ પહેલાં, ભારતીય મૂડીવાદીઓના જૂથે બોમ્બે પ્લાન તરીકે ઓળખાતા લખાણનો મુસદ્દો તૈયાર કર્યો હતો. આ મૂડીવાદીઓએ સ્વીકાર્યું હતું કે સ્વતંત્ર ભારતમાં, ઔદ્યોગિક ક્ષેત્રને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાથી બચાવવાની જરૂર પડશે અને તેના વિકાસ માટે સંસાધનો આપવા પડશે. આ સંરક્ષણવાદી સિદ્ધાંતને ‘શિશુ ઉદ્યોગ’ સિદ્ધાંત કહેવામાં આવે છે. બોમ્બે પ્લાનમાંથી પ્રેરણા લઈને, નવા ભારતીય રાજ્યે ઔદ્યોગિક નીતિ (1948) વિકસાવી, આયોજન પંચ (1950) ની સ્થાપના કરી, પ્રથમ પંચ-વર્ષીય યોજના (1951-1956) ઘડી, ઔદ્યોગિક નીતિ ઠરાવ (1956) ઘડ્યો, તથા એકાધિકાર અને પ્રતિબંધિત વેપાર વ્યવહાર અધિનિયમ (1969) પસાર કર્યો. નવી ભારત સરકારની નીતિ જે ખાનગી ક્ષેત્રના ઉદ્યોગપતિઓ સાથે મળીને તૈયાર કરવામાં આવી હતી તે ખાનગી ક્ષેત્ર માટે કેટલાક ક્ષેત્રો નક્કી કરવા માટે હતી અને તે સુનિશ્ચિત કરવા માટે હતી કે કોઈ ખાનગી-ક્ષેત્રનું જૂથ કોઈપણ એક ક્ષેત્ર પર પ્રભુત્વ ન જમાવી શકે. જો કે, જમીન સુધારણા દ્વારા કે કામદારોના અધિકારોની જોગવાઈ દ્વારા ભારતીય અર્થતંત્રનું કોઈ લોકતાંત્રીકરણ થયું ન હતું. જેનાથી સ્વતંત્ર ભારતના શરૂઆતના વર્ષોમાં ભદ્ર(મૂડીવાદી) સમાજને ઘણો ફાયદો થયો હતો. 1960 માં, વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ સ્વીકાર્યું હતું કે તેમની સરકારની નીતિઓએ સામાજિક અસમાનતાને વધુ તીવ્ર બનાવી છે:

મોટી સંખ્યામાં લોકોએ [રાષ્ટ્રની સંપત્તિના વધારામાં] ભાગીદારી કરી નથી અને [તેઓ] જીવનની પ્રાથમિક જરૂરિયાતોથી વંચિત છે. બીજી બાજુ તમે ખરેખર સમૃદ્ધ લોકોનું એક નાનું જૂથ જુઓ છો. તેઓએ કોઈપણ રીતે પોતાના માટે એક સમૃદ્ધ સમાજની સ્થાપના કરી છે, જો કે સમગ્ર ભારત તેનાથી દૂર હોઈ શકે છે… મને લાગે છે કે નવી સંપત્તિ એક ચોક્કસ દિશામાં વહી રહી છે અને યોગ્ય રીતે ફેલાઈ રહી નથી.4

ભારતમાં જાહેર ક્ષેત્રના નિર્માણનો ઉદ્દેશ સમાજવાદી દેશોથી અલગ હતો. તેનું નિર્માણ ખાનગી ક્ષેત્રના વિકાસ અને સંચયને સરળ બનાવવાના મર્યાદિત હેતુ માટે કરવામાં આવ્યું હતું. ભારતીય જાહેર ક્ષેત્રનો ઉદ્દેશ્ય નફો વધારવાનો ન હતો, પરંતુ ખાનગી ઉદ્યોગ માટે ટકાઉ વાતાવરણ પ્રદાન કરવાનો હતો. તેથી માળખાગત સુવિધાઓઅને ભારે મશીનરી તથા સ્ટીલ જેવા ક્ષેત્રોમાં સરકાર દ્વારા રોકાણ કરવામાંઆવ્યું કારણ કે જો તેમાં જાહેર ક્ષેત્રની ગેરહાજરી હોત તો તે પશ્ચિમી દેશોમાંથી ખૂબ ઊંચા ખર્ચે આયાત કરવામાં આવતું હોત.

કામદારોની મજબૂત ચળવળોએ ચાવીરુપ ટ્રેડ યુનિયનોનું નિર્માણ કર્યું.આ કામદાર યુનિયનોએ કામના કલાકો, વેતન, લાભો અને સામૂહિક સોદાબાજી અંગેના કાયદાઓની અમલવારી તથા તેને મજબૂત બનાવવામાં અને વધુને વધુ કર્મચારીઓનો આ કાયદાની અંદર સમાવવા માટે દરમિયાનગીરી કરી. જાહેર ક્ષેત્રના કામદારો શા માટે આ લાભો પ્રાપ્ત કરી શક્યા તેના ત્રણ કારણો છે: પ્રથમ, કારણ કે જાહેર ક્ષેત્રની મૂડી-કેંદ્રિત પ્રકૃતિ અને મોટી ફેક્ટરીઓમાં કામદારોના અનુગામી સંકેન્દ્રણને લીધે હડતાલ દ્વારા નફાને ઝડપી નુકસાન પહોંચાડવાનો અવકાશ મળ્યો. બીજું, કારણ કે મોટાભાગે અલ્પશિક્ષિત અને અછતગ્રસ્ત વસ્તીનો અર્થ એ હતો કે કુશળ જાહેર-ક્ષેત્રના કામદારોની જગ્યા લેવા માટે શ્રમની અનામત સેના હંમેશા ઉપલબ્ધ હતી નહીં.અને ત્રીજું, સંઘર્ષની પરંપરા અને આ કારખાનાઓમાં વિકસિત ટ્રેડ યુનિયન સંસ્કૃતિને કારણે, જાહેર ક્ષેત્રના કામદારોએ ઉચ્ચ સ્તરની વર્ગ ચેતના વિકસાવી હતી. જો કે, જાહેર ક્ષેત્રની મૂડી-કેંદ્રિત ઉદ્યોગો સુધીની સીમિતતા અને શ્રમ દળમાં તેની પ્રમાણમાં ઓછી સંખ્યાએ સુનિશ્ચિત કર્યું કે ભારતીય કામદાર વર્ગનો માત્ર એક નાનો હિસ્સો જ આ અધિકારો મેળવી શકે. તેમ છતાં, જાહેર-ક્ષેત્રના કામદારોના અધિકારોએ બાકીના કામદાર વર્ગ માટે એક માપદંડ નક્કી કર્યો, જેણે તમામ કામદારોને આવરી લેવા શ્રમ કાયદાને વિસ્તારવા માટે અત્યંત વર્ગ-સભાન જાહેર-ક્ષેત્રના કામદારો સાથે મળીને લડત આપી. ભારતમાં 83 ટકા કામદારો અનૌપચારિક ક્ષેત્રમાં છે. જેમાં ઘરગથ્થુ અને અનિશ્ચિત કામની સાથે નાના, અસંગઠિત સાહસોનો સમાવેશ થાય છે તે જોતાં આ સંઘર્ષ મહત્વપૂર્ણ છે. ઔપચારિક ક્ષેત્રમાં પણ, રોજગારની નોંધપાત્ર ટકાવારી અનૌપચારિક પ્રકૃતિની છે (જેમ કે પેટા કરાર આધારિત કામ),જે કુલ અનૌપચારિક રીતે કાર્યરત કામદારોને શ્રમ દળના 90 ટકાથી વધુ સુધી લાવે છે.5

આ કામદારો માટે, કાયદા અને અધિકારો એક મૃગજળ છે: તેમાંના મોટાભાગના કામદારો ભૂખના સ્તરથી સહેજ જ ઉપર નિર્ધારિત થયેલ લઘુત્તમ વેતન પણ કમાઇ શકતા નથી. રક્ષણના અભાવને કારણે, આ કામદારોને રોજિંદા વેતન કરાર સહિત અનિયમિત અને મોસમી કરારો માટે ફરજ પાડવામાં આવે છે, જે તેમને આવકના વિશ્વસનીય સ્ત્રોતોથી વંચિત રાખે છે. ઉદારીકરણ પહેલા પણ કામની અનૌપચારિક અને અનિયંત્રિત પ્રકૃતિનો અર્થ એ હતો કે સંગઠન આ કામદારો માટે લાંબા સમયથી પરાયું હતું. કેરળ, ત્રિપુરા અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યો કે જ્યાં ડાબેરીઓ સત્તામાં છે અથવા રહી ચૂક્યા છે તેવા રાજ્યોમાં જ કામદારો એવા કાયદા પ્રાપ્ત કરી શક્યા છે કે જેણે તેમની કામ કરવાની સ્થિતિમાં સુધારો કર્યો છે અને તેમને યુનિયન બનાવવાની મંજૂરી આપી છે. આ રાજ્યોમાં, કામદારોનો આવકમાં વધુ હિસ્સો રહ્યો છે.

 

બિરેન્દ્ર કુમાર યાદવ,પોતાના જ પગ પર કુહાડી, 2015. લોખંડ અને લાકડું

 

Top

1991 થી શ્રમ બજાર સુધારણા

1991 માં, ભારત સરકારે ટૂંકા ગાળાની નાણાકીય સહાયના બદલામાં અર્થતંત્રને ઉદારવાદી બનાવવા માટે આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ (ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ) સાથે કરાર કર્યો. આમાં શ્રમ બજારમાં ‘સુધારણા’ કરવાની સરકારની પ્રતિબદ્ધતા અને આંશિક રીતે સુરક્ષિત ભારતીય અર્થવ્યવસ્થાને વિદેશી મૂડી માટે(વધારે) ખોલવાની પ્રતિબદ્ધતા સામેલ હતી. બોમ્બે પ્લાનનો યુગ પૂરો થયો હતો.

ભારત વિદેશી મૂડી માટે માત્ર તેના આંતરિક બજારના કદને કારણે જ નહીં, પરંતુ તેના કામદારોની મોટી સંખ્યાને કારણે પણ આકર્ષક હતું જેમને ઓછા વેતન ચૂકવી કામ પર રાખી શકાતા હતા. આઝાદી પછીના વર્ષોમાં પણ કામદારો અલ્પ વેતન મેળવનાર અને ભૂખમરાની હાલતમાં (અલ્પપોષિત) રહ્યા હતા, પરંતુ તેમાં નોંધપાત્ર ફેરફાર થયો હતો: તેમનો મોટો વર્ગ સાક્ષર બન્યો હતો. આ તકનીકી રીતે કુશળ અને વધુ મહત્વાકાંક્ષી કામદાર વર્ગ 1980 ના દાયકા સુધીમાં ઉભરી આવ્યો હતો. વ્યાવસાયિક અને તકનીકી તાલીમમાં સરકારના રોકાણ, બાળકો માટે શૈક્ષણિક તકોમાં વધારા માટેની લડતને કારણે અને કૃષિ પરિવર્તન કે જેણે ખેડૂતો અને કિસાનોના બાળકોમાં નવી આકાંક્ષાઓ પેદા કરી હતી તેને લીધે વિસ્તારિત થવાનો ચાલુ રહ્યો હતો. જો કે, તેમને સમાવવા માટે રોજગારીનું વિસ્તરણ થયું ન હતું. ઓછું વેતન મેળવનાર, અલ્પપોષિત મજૂરોની આ મોટી સેના હતી, જે કદાચ વિશ્વની સૌથી ખરાબ કામ કરવાની પરિસ્થિતિઓમાં કામ કરવા માટે ટેવાયેલી હતી.પરંતુ હવે નવી આકાંક્ષાઓ અને સાક્ષરતા સાથે, તે ઉદારીકરણની પૂર્વસંધ્યાએ આંતરરાષ્ટ્રીય મૂડી દ્વારા શોષિત થવાની રાહ જોઈ રહી હતી.

કોર્પોરેટ સેક્ટરે કામદારો વિરુદ્ધ બધા જ પ્રકારની મીડિયા ઝુંબેશને આગળ ધપાવી. તેમણે એવી દલીલ કરી કે તેઓ વિશેષાધિકૃત અને આળસુ છે અને વૈશ્વિકીકરણના આ નવા યુગમાં ‘સુગમતા’ હોવી જરૂરી છે. ઘણી શૈક્ષણિક અને નીતિ સંસ્થાઓ ‘શ્રમ બજારની સુગમતા’ને મુદ્દો બનાવવાની ઝુંબેશમાં કૂદી પડી. આ દલીલનો સામાન્ય અભિગમ એ હતો કે શ્રમ મૂડીના તાલ પર કામ કરવું જોઈએ તથા તે રોજગાર અને વેતન વિશેના નિયમો માટે ‘બંધાયેલુ’ ન હોવું જોઈએ. કામદારોના જીવન ધોરણ જાળવવાની કોઈ પણ જવાબદારીથી પ્રભાવિત થયા વિના, પુરવઠા અને માંગના સરળ સિદ્ધાંત અનુસાર વેતન ચૂકવવાની છૂટ મળવી જોઈએ. આવી રુપરેખા કામદારો માટે સામાજિક રીતે નુકસાનકારક હોવા છતાં તેઓએ દલીલ કરી કે તે વિદેશી રોકાણ લાવશે,જે કથિત રીતે ઉદ્યોગના સામાન્ય તકનીકી સ્તરને વધારશે અને શ્રમ ઉત્પાદકતામાં વધુ વધારો કરશે. જેના થકી લાંબા ગાળામાં વૃદ્ધિ દર અને વેતન સ્તર, બંનેમાં વધારો થશે.

વિકાસના આ સુવર્ણ માર્ગની સામે બે અવરોધો છે: જાહેર-ક્ષેત્રના ટ્રેડ યુનિયનો, જે ‘સુગમતા’ના સિદ્ધાંતનો સતત વિરોધ કરતા રહ્યા અને મજૂર કાયદાનું અસ્તિત્વ. ટ્રેડ યુનિયનોના પ્રતિકારનું એક મહત્વનું ઉદાહરણ વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટની લડાઈ છે, જેનું નેતૃત્વ કામદારો દ્વારા કરવામાં આવ્યું હતું અને તેમાં લોકો જોડાયા હતા, જેમણે સાથે મળીને એક દાયકા સુધી અનેક ખાનગીકરણના પ્રયાસોને અટકાવ્યા હતા.6 યુનિયનો તરફથી પડકારોનો સામનો કરીને, સરકાર ફેક્ટરી દર ફેક્ટરી યુનિયનો સામે લડવા કરતા, એક વ્યાપક ઉકેલ તરફ આગળ વધી. જેમાં કાયદાને તેની તરફેણમાં લાવવા માટે, 1991 થી નવઉદારવાદી એજન્ડા સાથે સંલગ્ન ન્યાયતંત્ર દ્વારા સરકારની સહાય કરવામાં આવી. ઉદારીકરણના શરૂઆતના વર્ષોમાં, સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે એર ઈન્ડિયાના કોન્ટ્રાક્ટ કામદારો અમુક કિસ્સાઓમાં કાયમી કામદારો બની શકે છે. પરંતુ 2001 માં, સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને અન્ય જાહેર-ક્ષેત્રની કંપનીઓની અપીલને પગલે કોર્ટે આ ચુકાદો ઉલટાવી દીધો, જેણે કામદારોએ દાયકાઓના સંઘર્ષ દ્વારા મેળવેલા લાભોને રદબાતલ કરી દીધા. કરાર આધારિત કામદારો પર આ હુમલો હડતાલ પર પ્રતિબંધ મૂકવાનો સંયોજિત પ્રયાસ જેવા અન્ય ઔદ્યોગિક વિવાદો સાથે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ, 6 ઓગસ્ટ 2003 ના રોજ, સુપ્રીમ કોર્ટે તમિલનાડુ રાજ્ય સરકારના 1,70,000 કર્મચારીઓને ‘ગેરકાયદે હડતાલ’ પર હોવાના આધારે બરતરફ કરવાની તરફેણમાં ચુકાદો આપ્યો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે,જો કામદારો બિનશરતી માફી માંગે તો જ સરકારે તેમને ફરીથી નોકરી પર રાખવા પડશે. નિર્ણાયક રીતે, સર્વોચ્ચ અદાલતે તારણ કાઢ્યું હતું કે ‘[સરકારી કર્મચારીઓ] પાસે હડતાલ પર જવાનો કોઈ મૂળભૂત, કાનૂની અથવા ન્યાયી અધિકાર હોવાનો કોઈ પ્રશ્ન નથી’.વધુમાં જણાવ્યું હતું કે ટ્રેડ યુનિયનો પાસે ‘અસરકારક સામૂહિક સોદાબાજીનો અથવા હડતાલ કરવાનો બાંયધરીકૃત અધિકાર નથી’ અને કોઈપણ રાજકીય પક્ષ અથવા સંગઠન દાવો ન કરી શકે કે તે સમગ્ર રાજ્યમાં ઉદ્યોગ અને વાણિજ્યને લકવાગ્રસ્ત કરવા માટે હકદાર છે અને તેના દૃષ્ટિકોણ પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા ન હોય તેવા નાગરિકોને તેના મૌલિક અધિકારોનો ઉપયોગ કરતા રોકવા કે તેમને(નાગરિકોને) પોતાના ફાયદા માટે અથવા રાજ્ય કે રાષ્ટ્રના લાભ માટે તેમની ફરજો બજાવવાથી રોકવા માટે હકદાર છે.7

આ ચુકાદો માત્ર ભારતીય કાયદાઓ વિરુદ્ધ જ નથી ગયો: તે આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠનના સંમેલનોનું પણ ઉલ્લંઘન કરે છે જેના પર ભારત સરકારે વર્ષો પહેલા હસ્તાક્ષર કર્યા હતા. છેલ્લા કેટલાક દાયકાઓ દરમિયાન, કામદારો અને મેનેજમેન્ટ(સંચાલક મંડળ) વચ્ચેના વિવાદો પ્રત્યે ઉચ્ચ ન્યાયતંત્રના અભિગમમાં તેમજ સામૂહિક રીતે વિરોધ કરવા અને હડતાલ પર જવાના કામદાર વર્ગના અધિકારમાં પરિવર્તન આવ્યું છે,આ પરિવર્તન જે બજારના સિદ્ધાંતો અને તેના કરારની પવિત્રતાની તરફેણ કરે છે. ન્યાયતંત્રના મંતવ્યોએ મૂડીને કામદારો સામે નિર્દય ઝુંબેશ ખોલવાની મંજૂરી આપી છે, પરંતુ આનાથી તેમને વળતી લડત આપતા અટકાવી શક્યા નથી. જે માનેસર (હરિયાણા)માં મારુતિ સુઝુકી ફેક્ટરી અને હોસ્કોટ(કર્ણાટક)માં વોલ્વો બસ ફેક્ટરીના કામદારોથી લઈને ગુજરાતના આંગણવાડી (તેડાઘર) કાર્યકરો અને પંજાબની આશા (ASHA:માન્યતા પ્રાપ્ત સામાજિક આરોગ્ય કાર્યકર્તા) કાર્યકરો સુધીના સંઘર્ષોના ઉદાહરણો પરથી સ્પષ્ટ થાય છે. તેમ છતાં,યુનિયનો બનાવવાના કામદારોના પ્રયાસોને ગુનાહિત પગલાં તરીકે ગણવામાં આવ્યા છે. મારુતિ સુઝુકીના મેનેજમેન્ટ એક્ઝિક્યુટિવ ઓફિસર એસ.વાય. સિદ્દીકીએ જૂન 2011માં જણાવ્યું હતું કે, ‘માનેસરની સમસ્યા ઔદ્યોગિક સંબંધોની નથી. તે અપરાધ અને બળવાનો મુદ્દો છે’. વધુમાં, તેમણે જણાવ્યું હતું કે, પેઢી(કંપની), ‘યુનિયનના કોઈપણ બાહ્ય જોડાણને સહન કરશે નહીં’,તે(પેઢી) સંગઠિત(યુનિયનાઇઝ્ડ) કામદારોને ચેતવણી આપે છે કે તેમના નવા સંઘર્ષમાં મદદ કરવા માટે રાષ્ટ્રીય મજૂર યુનીયનો વચ્ચે રાજકીય સાથી શોધવાના કોઈપણ પ્રયાસનો કંપની તરફથી બદલો લેવામાં આવશે.8 સતત કામદારોના સંઘર્ષોનો સામનો કરીને, સરકાર કામદારોની ધરપકડ કરવા અને હડતાલ કરવાના તેમના અધિકારને દબાવવા માટે આતંકવાદ વિરોધી કાયદાઓનો ઉપયોગ કરવા તરફ વળી છે. દાખલા તરીકે, 2017 માં, જ્યારે રિલાયન્સ એનર્જીના કોન્ટ્રાક્ટ કામદારો સંગઠિત થઈને એક કામદારના મૃત્યુ માટે વળતરની માંગણી સાથે થોડા કલાકો માટે હડતાળ પર ઉતર્યા હતા, ત્યારે તેમાંથી પાંચની આતંકવાદના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.9 ગુડગાંવ-માનેસર-ધારુહેરા-રેવાડી પટ (ઉત્તર ભારતમાં) પરના યુનિયન સંયોજકો સામેની હિંસા કોઈમ્બતુર-ચેન્નાઈ પટ્ટામાં (દક્ષિણ ભારતમાં) પણ જોવા મળે છે. આ બંને ઝોનમાં વ્યાપક હિંસાને કારણે ઔદ્યોગિક કાર્યવાહીઓ થઈ જેના પરિણામે કામદારોના મૃત્યુ થયા, જેમ કે 2012 માં મારુતિ સુઝુકી પ્લાન્ટમાં અવનીશ કુમાર દેવની હત્યા અને 2009 માં કોઈમ્બતુર(તમિલનાડુ રાજ્યમાં)માં પ્રિકોલ લિમિટેડના રોય જ્યોર્જની હત્યા. 2009 માં, કોઈમ્બતુરમાં બળવો થયા પછી, ઓટોમોટિવ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ જયંત દાવરેએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે: ‘આપણે સમાજવાદી મજૂર કાયદાઓ ધરાવતા મૂડીવાદી દેશ ન બની શકીએ’.10

‘શ્રમ સુગમતા’ના સમર્થકોએ એવી દલીલ કરી હતી કે આ અભિગમ વિદેશી મૂડીને આકર્ષિત કરશે અને શ્રમ ઉત્પાદકતા અને આર્થિક વૃદ્ધિમાં વધારો કરશે. જો કે, તેના અમલીકરણના દાયકાઓ પછી, આંકડાઓઆ માન્યતાનું ખંડન કરે છે. તેના બદલે, વૃદ્ધિમાં ઘટાડો થયો છે અને તેથી રોજગારમાં પણ ઘટાડો થયો છે. ખાસ કરીને, પૂર્ણ-સમયની, ઔપચારિક રોજગારીમાં કારણ કે મજૂર સમુદાય ન્યૂનતમ નિયમનકારી દેખરેખ અને લાભો સાથે ટૂંકા ગાળાના કરારના મોડેલ તરફ વધુને વધુ આગળ વધ્યો છે. કામકાજની બગડતી પરિસ્થિતિઓને કારણે, નફો અને વેતનનો હિસ્સો નોંધપાત્ર રીતે બદલાઈ ગયો છે: 1999-2000 થી 2018 સુધી, નફાનો હિસ્સો 17 ટકાથી વધીને 48 ટકા થયો છે જ્યારે વેતનનો હિસ્સો 33 ટકાથી ઘટીને 26 ટકા થયો છે.11 નફો હવે રાષ્ટ્રીય હિત છેઅને સંઘર્ષ કરતા કામદારો આતંકવાદીઓ છે.

વિભાજનકારી શ્રમ પદ્ધતિઓએ ખાનગી-ક્ષેત્રના ઉદ્યોગમાં ટ્રેડ યુનિયનોને નષ્ટ કર્યા છે અને જાહેર-ક્ષેત્રના ઉદ્યોગના યુનિયનો માટે મુશ્કેલીઓ ઊભી કરી છે.તે ઔપચારિક અને કરારઆધારિત કામદારો વચ્ચે શોષણના ઉંચ-નીચ તરફ દોરી જાય છે, જે સૌથી વધુ શોષિત ક્ષેત્રોને વધુ તીવ્રતાથી અસર કરે છે અને ઉત્પાદનના સ્થળે(ફેક્ટરીમાં) કામદારો વચ્ચે રોષનું વાતાવરણ પેદા કરે છે. મોટાભાગે વેતનની સોદાબાજી પર કેન્દ્રિત હોય તેવા સંઘર્ષો, અસાધારણ સંજોગો સિવાય સંયુક્ત એકત્રીકરણને ગતિશીલ બનાવે તેવી શક્યતા હોતી નથી.

 

બિરેન્દ્ર કુમાર યાદવ, ગધેડો કામદાર, 2015. કાગળ પર પ્રવાસી મજુરોના અંગૂઠાના નિશાન.

 

Top

કામદાર વર્ગની હતાશા

નવઉદારવાદી વ્યવસ્થા દ્વારા પેદા થતી રોજગારી એ હતાશ લોકો માટેનું કામ છે. મોટા પાયે ઔદ્યોગિક રોકાણ અને ઉચ્ચ-ગુણવત્તાવાળી ઔદ્યોગિક નોકરીઓનું સર્જન કરવાનું વચન નોંધપાત્ર રીતે સાકાર થઈ શક્યું નથી, અને આર્થિક અને ઔદ્યોગિક વૃદ્ધિ બંને નીચા સ્તરે રહી છે. માત્ર રોકાણના અભાવને કારણે નહીં, પરંતુ ભારતીય વસ્તીની સંકોચિત કરવામાં આવેલી માંગને કારણે પણ. મોટાભાગની વસ્તીના અત્યંત ઓછા વેતન તેમજ જાહેર ખર્ચ પર અને ખાસ કરીને કૃષિ ક્ષેત્રમાં નવઉદાર નિયંત્રણોને કારણે આ માંગમાં ઘટાડો થયો હતો.

1991 થી, ભારતમાં નોંધપાત્ર આર્થિક વૃદ્ધિના બે સમયગાળા રહ્યા છે, પરંતુ તેમાંથી કોઈ પણ ‘શ્રમ બજાર સુધારણા’ કે સામાન્ય રીતે નવઉદારવાદી નીતિઓને કારણે નથી. પ્રથમ, 2003 થી 2008 સુધી, અમેરિકાના ગ્રાહકોની ઋણ પ્રેરિત માંગના ઉભરા(જુવાળ) દ્વારા નિર્મિત થયો હતો. બીજો, 2009 થી 2011 સુધી, ભારતીય કોર્પોરેશનો દ્વારા ઋણ પ્રેરિત ખર્ચ દ્વારા પેદા કરવામાં આવ્યું હતું કારણ કે તેઓએ પાવર પ્લાન્ટ્સ અને રોડવેઝ જેવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે ભારતીય જાહેર-ક્ષેત્રની બેંકો પાસેથી મોટી રકમ ઉધાર પેટે લીધી હતી જે ટૂંક સમયમાં ડિફોલ્ટ લોનમાં પરિવર્તિત થવાની હતી. આવા પરપોટાઓ ટકાઉ હોતા નથી, કારણ કે અમેરિકાની ઉપભોક્તા માંગ સપાટ થઈ ગઈ છે અને ભારતીય કંપનીઓ મંદીભરી(સંકોચિત) માંગને ધ્યાનમાં રાખીને રોકાણ વધારવા ઈચ્છુક નથી, એટલે દેશના ઉદ્યોગો વ્યાપકપણે તેમની ક્ષમતાથી ઘણા નીચા સ્તરે કામ કરી રહ્યા છે. ખાનગી જૂથોએ જાહેર ક્ષેત્રની બેંકો પાસેથી ઉધાર લેવાનું ચાલુ રાખ્યું છે, પરંતુ તેઓ રોજગારીનું સર્જન કરવાને બદલે સંપાદન માટે ભંડોળ ભેગું માટે આમ કરે છે.

આ મોટા સમૂહો, જેઓ જાહેર ક્ષેત્રની બેંકો પાસેથી ખૂબ જ ઉંચી રકમની મૂડી ઉછીની લેવામાં સક્ષમ છે, તેઓ તેમની મહત્તમ ક્ષમતાએ ભારતના કર્મચારી વર્ગના 2 ટકા અને બિન-કૃષિ કર્મચારીઓના 5 ટકાથી વધુને પણ રોજગારી આપતા નથી.12 તેના બદલે, ભારતના મોટાભાગના કામદારોને નાના સાહસો દ્વારા કામ પર રાખવામાં આવ્યા છે, જે સંપૂર્ણપણે અલગ વાસ્તવિકતાનો સામનો કરે છે. આ કંપનીઓમાં, જે ઘણી વખત ધિરાણ સંકળામણમાં સપડાયેલી હોય છે, વેતન બિલ મોટાભાગના ઓપરેશનલ(સંચાલન) ખર્ચનો હિસ્સો ખાઈ જાય છે. ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન થોડું ‘મૂલ્યવર્ધન’ થાય છે, નફાનું સ્તર નીચું હોય છે, અને મૂડીની પ્રમાણમાં ઓછી સુગમતા હોય છે. આ નાના, છૂટાછવાયા સાહસો પાસે મર્યાદિત બજાર શક્તિ હોય છે, જેનો અર્થ છે કે તેઓ જાહેર સંસાધનોને મેળવવા માટે જરૂરી રાજકીય શક્તિને એકત્ર કરી શકતા નથી. આ નાના સાહસો માટે નફો અને મૂડી એકત્ર કરવાનો એકમાત્ર રસ્તો છે, તે છે કામદારોને દબાવવાનો. આ ક્ષેત્રોમાં – લગભગ સંપૂર્ણપણે અનિયંત્રિત રીતે – ઔપચારિક ક્ષેત્રની તુલનામાં ઓછા અધિકારો સાથેકામદારોને વધારે કામ કરવું પડે છે અને ઓછો પગાર મેળવે છે. બજારની અસ્થિરતા(ઉથલપાથલ) દરમિયાન, આ કંપનીઓ નાશ પામે છે, જેવું કોવિડ-19 ના રોગચાળા દરમિયાન થયું હતું. સસ્તી મજૂરી પરની તેમની નિર્ભરતા, તેઓ કામ કરવાની પરિસ્થિતિઓમાં સુધારો કરશે તેવી અનુકૂળતા (શક્યતા) કે સંભાવનાને મર્યાદિત કરે છે.તેથી જ તેમાં કામ કરતા કામદારોને રોગચાળા જેવી કટોકટી દરમિયાન સીધી રાજ્ય સહાયની જરૂર હોય છે.

દરમિયાન, અનૌપચારિક ક્ષેત્ર મોટે ભાગે સેવાકીય કામદારોની વિશાળ શ્રેણીથી બનેલું છે જેઓ કાં તો નાના વ્યવસાયો દ્વારા રોજગારી મેળવે છે અથવા ‘સ્વ-રોજગાર(સેલ્ફ એમ્પ્લોય્ડ)’છે. દુકાનો અને હોટલ (રેસ્ટોરાં) જેવા આ નાના વ્યવસાયો મોટી સંખ્યામાં, મુઠ્ઠીભર કામદારોને રોજગારી આપે છે, જેમાંથી ઘણાને દૈનિક ધોરણેકામ પર રાખવામાં આવે છે અને રોકડ કે ચીજવસ્તુમાં ચૂકવણી કરવામાં આવે છે. અનૌપચારિક ક્ષેત્રમાં કામદારોનો બીજો મોટો વર્ગ ગ્રાહકોને તેમની મજૂરીનું સીધું વેચાણ કરે છે. આમાં રીક્ષાચાલકો, ઘરેલું કામદારો, ઈલેક્ટ્રિશિયન, માલની હેરાફેરી કરનાર, મેલું ઉપાડનાર, મિકેનિક, પ્લમ્બર, રિક્ષા ખેંચનારા, કાટમાળ એકઠો કરનારા, રસ્તા સાફ કરનારા(સફાઈ કામદારો) અને સિક્યુરિટી ગાર્ડનો સમાવેશ થાય છે. તેમાંના મોટા ભાગના પાસે ન તો માલિક (નોકરીદાતા)છે કે ન તો કોઈ સ્થિર વ્યવસાય, અને તેમાંથી ઘણા એકથી વધુ નોકરીઓ કરતા હોય છે. આમાંના ઘણા કામદારો માટે, ગ્રામીણ અને શહેરી જગ્યાઓ વચ્ચે એક સાતત્ય છે, કારણ કે તેઓ વાવણી અને લણણીની મૌસમ દરમિયાન તેમના ગામડાંઓમાં પાછા જાય છે.ત્યાં તેઓ કાં તો તેમના કુટુંબના ખેતરોમાં કામ કરે છે અથવા કૃષિ કામદારો તરીકે પોતાને નોકરી પર રાખે છે. આ લોકો આધુનિક ભારતના આઝાદ કામદારો છે.13

રોડ નેટવર્કના વિકાસથી હતાશ કામદારોનું કાયમી પરિભ્રમણ શક્ય બન્યું છે, શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોમાં અનૌપચારિક ક્ષેત્રો માટે શ્રમની એક વિશાળ અનામત સૈન્યની રચના થઈ છે. મોબાઇલ નેટવર્કના વિસ્તરણ અને વધુ સસ્તા મોબાઇલ ફોનની ઉપલબ્ધતા આ અનૌપચારિક કામદારોને કામદારોની ભરતી કરનારાઓ [થેકેદારો] (જેમને ‘જોબર’તરીકે ઓળખવામાં આવે છે) અને તેમના પરિવારો તથા મિત્રો સાથે સતત સંપર્કમાં રહેવાની સુવિધા આપે છે, જેઓ રોજગારની શક્યતાઓ વિશે તેમને દૈનિક કે મોસમી ધોરણે માહિતી આપતા રહે છે. આ કામદારો ગ્રામીણ ભારતની સૌથી વધુ અધિકારોથી વંચિત અને પીડિત જાતિઓમાંથી આવે છે. તેમાંના કેટલાક દેશભરમાં કૃષિ મોસમનો પીછો કરે છે જ્યારે અન્ય દૂરના શહેરોમાં બાંધકામ પ્રોજેક્ટ શોધે છે. આ પ્રવાસી મજુરો ખેતરો અથવા બાંધકામ સ્થળોના છેવાડે અસ્થાયી આવાસોમાં રહે છે, ઘણીવાર જૂની સાડીઓ અને પ્લાસ્ટિકની શીટ્સથી બનેલા તંબુઓ જેમાં રસોડું કે શૌચાલય નથી હોતા– માત્ર ખુલ્લું આકાશ હોય છે. બાળકો કાટમાળમાં રમતા હોય છે કે પછી સીડીઓ ઉપર ભારે ભાર વહન કરીને ચડતી અથવા ખેતરોમાં કામ કરતી માતાની પીઠ પર બાંધી (લટકાવી) દેવામાં આવે છે. પ્રવાસી મજુરો જે ખોરાક ઉગાડે છે તે તેઓ દ્વારા ખાઈ શકાતું નથી, અને તેઓ જે ઘરો બનાવે છે તે તેમના માટે હોતા નથી. તેઓ કામ કરે છે, અને કામ પૂર્ણ કર્યા પછી, બીજા કામની શોધમાં નવી અસ્થાયી વર્કસાઈટ(કામની જગ્યા) તરફ રવાના થાય છે.

સ્થળાંતર પરિવારો વચ્ચે અંતર(દૂરી) વધારે છે,ખાસ કરીને પેઢીઓ વચ્ચે. સમુદાયોના સૌથી વધુ યુવાન અને સૌથી વધુ શારીરિક રીતે સશક્ત વર્ગને કામની શોધમાં દૂરના સ્થળોએ ધકેલે છે જ્યાં તેમના ભવિષ્યની કોઈ સુરક્ષા હોતી નથી. વૃદ્ધ પુરુષો અને સ્ત્રીઓ કે જેઓ એક સમયે સામાન્ય કામદારો હતા તેઓને ભીખ માંગતા કે વહેલા મૃત્યુ પામતા જોવા અસામાન્ય નથી કારણ કે તેમને મુખ્યત્વે ખાનગી આરોગ્ય સંભાળ ક્ષેત્રનો મોટો ખર્ચ પરવડી શકતો નથી. આરોગ્ય ક્ષેત્રમાં થતો ગજા(ખિસ્સા)બહારનો ખર્ચ દર વર્ષે 5.5 કરોડ ભારતીયોને ગરીબીમાં ધકેલી દે છે.14 તદુપરાંત, ભારતની પેન્શન પ્રણાલી અતિશય ખરાબ છે,જે ખૂબ જ મામૂલી રકમ ચુકવે છે.ઘણીવાર તે અનિયમિત રીતે ચૂકવવામાં આવે છે, જે જીવન ખર્ચ કરતાં ઘણું ઓછું છે (ઘણા લોકો માટે દર મહિને રૂ. 200 જેટલુ ઓછું).15

દેશભરમાં રોડ નેટવર્ક વિકસિત થવાના લીધે,ઔદ્યોગિકીકરણમાં પ્રાદેશિક અસમાનતા વધી છે. મોટાભાગનું ઔદ્યોગિક ઉત્પાદન દ્વીપકલ્પના ભારતમાં અને ખાણકામના પ્રદેશોમાં કેન્દ્રિત છે. અહીં જરૂરી માળખાગત સુવિધાઓ (ઈન્ફ્રાસ્ટ્રક્ચર) પહેલેથી જ વિકસાવવામાં આવી હતી અને આ વિસ્તારોમાં ખાનગી મૂડી આકર્ષિત થઈને આવતી હોય છે. પ્રવાસી મજૂરો આવા સ્થળો માટે લાંબા અંતરની મુસાફરી કરે છે અને તેઓ તેમના નવા, અસ્થાયી ઘરોમાં સાંસ્કૃતિક અને ભાષાકીય રીતે વિમુખ થઈ જાય છે. આ વિમુખતાનો અર્થ એ પણ છે કે તેઓ આત્યંતિક શોષણના ઘૃણાસ્પદ કિસ્સાઓથી માંડીને ઉચ્ચ વેતન તથા વધુ સારી કામ કરવાની અને રહેવાની સ્થિતિની માંગણી સુધીના તેમના સંઘર્ષો માટે સમુદાયના સમર્થનને એકત્ર કરવામાં અસમર્થ રહે છે. જેમ કે પત્રકાર સિદ્ધાર્થ દેબ લખે છે, ‘તે એવી વ્યવસ્થા છે જે નોકરીદાતાઓ(માલિકો)ને દરેક જગ્યાએ સારી રીતે અનુકૂળ આવે છે. તે સુનિશ્ચિત કરે છે કે કામદારો તેમની પરિસ્થિતિઓ અને વેતન માટે ક્યારેય પણ સંગઠિત વિરોધ કરવા માટે ખૂબ જ અસુરક્ષિત રહે અને જ્યારે પણ તેઓ ઉભા થાય તો તેમને ઉખેડી નાખવામાં આવે. તેઓ દૂરના પ્રદેશોમાંથી આવતા હોય છે, મત માંગતા સ્થાનિક રાજકારણીઓને તેમનામાં કોઈ રસ હોતો નથી, અને તેઓ ભાષા અને સંસ્કૃતિના તફાવતને કારણે સ્થાનિક લોકોથી વિમુખ થઈ ગયા છે.’16 ભવિષ્યના વિસ્ફોટ માટે વિરોધાભાસી પ્રાદેશિક, ભાષાકીય અરાજકતાનો પાવડર ભરવામાં આવી રહ્યો છે.

નાના ઉદ્યોગો અને ઔદ્યોગિક કંપનીઓને નોંધપાત્ર પડકારોનો સામનો કરવો પડે છે, મોટા ઉદ્યોગ સમૂહો દ્વારા માણવામાં આવતી ઓછા ખર્ચે વધુ ઉત્પાદનની (અર્થ)વ્યવસ્થા તેમને ઉપલબ્ધ હોતી નથી. આની સાથોસાથ 2016 માં ભારત સરકારની નોટબંધી યોજનાઅને 2017 માં સરકાર દ્વારા અમલ કરાયેલ ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ[ચીજવસ્તુ અને સેવા કર] (GST).17 નોટબંધી દ્વારા પ્રચંડ પડકારો ઊભા થયા જેણે રાતોરાત અર્થતંત્રના ચલણમાંથી 86 ટકા રોકડ પાછી ખેંચી લીધી.વેચાણ, ખરીદી અને વેતન ચૂકવણી માટે રોકડ વ્યવહારો પર આધાર રાખતા નાના વ્યવસાયો માટે નોટબંધી એક મોટો ફટકો હતો. નવી GST પ્રણાલી, તે દરમિયાન, નાની કંપનીઓ પર ભારે નિયમનકારી બોજ મૂકે છે કારણ કે તેણે અનુપાલનની કિંમતમાં વધારો કરીને તેમના ઓવરહેડ ખર્ચમાં નોંધપાત્ર વધારો કર્યો છે.જ્યારે એની બીજી બાજુએ,મોટી કંપનીઓ માટે તેણે સમગ્ર રાજ્યોમાં વ્યવસાય કરવાની સરળતામાં વધારો (સુધારો) કર્યો છે. આ બે પ્રક્રિયાઓએ ઘણી નાની કંપનીઓનો નાશ કર્યો, જેના પરિણામે સૌથી વધુ અસુરક્ષિત કામદારોને રોજગારી ગુમાવવી પડી. તદુપરાંત, રોગચાળા દરમિયાન બંધ થયેલી કંપનીઓએ મોટા સમૂહોને વિસ્તરણ કરવા માટે એક અવસર પ્રદાન કર્યો હતો.

ભારતીય કામદારો પરનો ડેટા અવિશ્વસનીય છે. સત્તાવાર બેરોજગારીનો દર 8 ટકા છે, જો કે કેટલાક અંદાજો વાસ્તવિક દરને ઘણો વધારે આંકે છે. કામમાં ભાગીદારીનો દર નીચો રહે છે, આશરે 40 ટકા પર.વધુમાં, સરેરાશ ભારતીય કામદારની આવક રૂ. 10,000 છે, જે લઘુત્તમ વેતનથી નીચે છે.18 1.4 અબજ લોકોની વસ્તીમાં 41 કરોડ કામદારો છે.એટલે કે દરેક ભારતીય કામદારને 3.5 લોકોને પૂરા પાડવા માટે પૂરતું વેતન મેળવવાની જરૂર પડે છે.જેનો અર્થ છે કે તેમણે લઘુત્તમ વેતન કરતાં ઓછા વેતન પર આવું કરવું પડતું હોય છે.19

 

 

બિરેન્દ્ર કુમાર યાદવ, મે દિવસ, 2022. કાગળ પર લોખંડ, લાકડું અને ચારકોલ.

 

Top

મજૂર બળવો

વર્ગ સંઘર્ષ એ યુનિયનો કે કામદારોની શોધ નથી. મૂડીવાદી વ્યવસ્થામાં મજૂર માટે તે જીવનની હકીકત છે. મૂડીવાદી કામદારની શ્રમ શક્તિને ખરીદે છે, તેને શક્ય તેટલી કાર્યક્ષમ અને ઉત્પાદક બનાવવાની કોશિશ કરે છે, અને આ ઉત્પાદકતામાંથી મેળવેલા લાભને તેના કબજામાં રાખે છે.કામ પૂરું થયા બાદ તે કામદારને રાત્રે તેની ઝૂંપડપટ્ટીમાં ધકેલી દે છે અને બીજા દિવસે કામ પર આવવા માટે જરૂરી ઊર્જા(શક્તિ) એકઠી કરવાનો માર્ગ શોધવામાં કામદારની આખી રાત ગુજરી જાય છે. કામદાર પર વધુ ઉત્પાદક બનવાનું અને તેમની ઉત્પાદકતાનો લાભ મૂડીવાદીને દાન કરવાનું આ દબાણ વર્ગ સંઘર્ષનો સાર છે. જ્યારે કામદાર ઉત્પાદનનો મોટો હિસ્સો માંગે છે, ત્યારે મૂડીવાદી સાંભળતો નથી. તે હડતાલ કરવાની શક્તિ જ કામદારોને સભાન રીતે વર્ગ સંઘર્ષમાં પ્રવેશવા માટે અવાજ પ્રદાન કરે છે.

1990 ના દાયકાના અંતથી, ભારતીય ટ્રેડ યુનિયનો લગભગ દર વર્ષે ઉદારીકરણ સામે સામાન્ય હડતાળની હાકલ કરવા માટે એકસાથે જોડાયા છે, જેમાં 2022 સુધીમાં આશરે 20 કરોડ કામદારોએ ભાગ લીધો છે.20 આટલા બધા કામદારો – તેમાંથી મોટાભાગના અનૌપચારિક ક્ષેત્રના – આ હડતાળમાં કેવી રીતે જોડાયા?

અનૌપચારિક કામદારો (મુખ્યત્વે સંભાળ ક્ષેત્રની મહિલા કામદારો) ની આગેવાની હેઠળની લડાઈના પરિણામે, ટ્રેડ યુનિયનોએ છેલ્લા બે દાયકા દરમિયાન સમગ્ર ટ્રેડ યુનિયન ચળવળના મુદ્દાઓ તરીકે અનૌપચારિક કામદારોના મુદ્દાઓ લેવાનું શરૂ કર્યું છે. કાર્યકાળનું કાયમીપણું, યોગ્ય વેતન કરાર, મહિલા કામદારો માટે સન્માન, વગેરે માટેના સંઘર્ષોએ કામદારોના તમામ વિવિધ વિભાગો વચ્ચે મજબૂત એકતાનું નિર્માણ કર્યું છે.જેમની આક્રમકતા હવે ટ્રેડ યુનિયન માળખાની સંગઠિત શક્તિ દ્વારા પ્રસારિત થાય છે. તેવી જ રીતે, મહિલા કામદારો તેમને સંબંધિત મુદ્દાઓને મહિલાઓના મુદ્દા તરીકે જોતા નથી, પરંતુ એવા મુદ્દાઓ તરીકે જોવે છે જેના માટે તમામ કામદારોએ લડવું જોઈએ અને જીતવું જોઈએ. કામદારોને વર્ણ, જાતિ અને અન્યસામાજિક ભેદભાવના આધારે અસર કરતામુદ્દાઓ પણ આ સાથે છે. વધુમાં, યુનિયનો સામાજિક જીવન અને સામુદાયિક કલ્યાણને અસર કરતા મુદ્દાઓ ઉઠાવી રહ્યા છે, પાણીનો અધિકાર, ગટર વ્યવસ્થા અને બાળકો માટે શિક્ષણ તેમજ તમામ પ્રકારની અસહિષ્ણુતા સામે દલીલ કરી રહ્યા છે. આ સમુદાયિક સંઘર્ષો કામદારો અને ખેડૂતોના જીવનનો અભિન્ન હિસ્સો છે.

તે જ સમયે, જમણી પાંખના વિચારો જે ખાસ કરીને હિન્દુત્વ (હિંદુ સર્વોપરિતાવાદીઓની મુખ્ય વિચારધારા) માં પ્રગટ થાય છે, તેણે શ્રમજીવી વર્ગના વિભાગો સહિત ભારતીય સમાજમાંપણ મૂળિયાં લેવાનું શરૂ કર્યું છે. જમણેરી પાંખને નવઉદારવાદી મૂડીવાદ દ્વારા પેદા થતી સામાજિક-આર્થિક પરિસ્થિતિઓમાં ફળદ્રુપ જમીન મળી છે.જેમ કે શહેરી વિસ્તારોમાં કામદારો અનુભવે છે તે અદૃશ્યતા અને વિમુખતા, રોજિંદા જીવનની અપમાનજનકતા, ઉત્પન્ન થતી એકલતા અને ઝેરી સામાજીકીકરણ. ખાસ કરીને, તેમના પરિવારોથી અલગ થયેલા પુરુષોમાં, ધાર્મિક મેળાવડા દ્વારા આપવામાં આવતી સાંત્વના તથા સમુદાય અને ઓળખની શોધ. દેશમાં બિનસાંપ્રદાયિક અને તર્કસંગત વિચારધારાઓના ઘટતા પ્રભાવ અને કામદાર વર્ગની ચળવળની સામાન્ય સંકુચિતતા સાથે, આનો સામનો કરવા માટે કોઈ નોંધપાત્ર બળ નથી. હિંદુત્વ અને હિંદુ રાજ્ય (રામરાજ્ય)ના આભાસના નશાના ઘેનમાં રહેતો મજૂર વર્ગ તેના દુઃખ અને અપમાનને અલગ ધર્મ અથવા જાતિના સાથી કામદારો પર ઢોળે છે.તે અપમાનજનક ભ્રાતૃહત્યા દ્વારા સશક્તિકરણ શોધે છે જે કામદારોને અંકુશમાં લેવા માટેનો નવફાસીવાદી નુસખો છે. દેશભરમાં સંયુક્ત, સંપૂર્ણ વિકસિત નવફાસીવાદી એજન્ડાને જે થોભે છે તે છે પ્રાદેશિક રાષ્ટ્રીયતાઓની હાજરી, ખાસ કરીને દક્ષિણ ભારતમાં. તેમ છતાં, આ પ્રકારના નવફાસીવાદી એજન્ડા સામે કામદાર-વર્ગ અને ખેડૂતોના પ્રતિકારની સંભાવના ખેડૂતોની ચળવળમાં સ્પષ્ટ દેખાઈ હતી. દાખલા તરીકે, જ્યારે વિવિધ પૃષ્ઠભૂમિના ખેડૂતો અને કિસાનોએ મોટી પૂંજી સામેની લડાઈને શેરીઓમાં લઈ આવ્યા હતા.

આ રોગચાળો કામદાર વર્ગ અને મૂડી વચ્ચે હિતોની સ્પષ્ટ અસંગતતા પર પ્રકાશ પાડે છે. કામદાર વર્ગના કલ્યાણ માટે જાહેર મૂડીરોકાણ, રોજગારીનું સર્જનતથા કૃષિ અને નાના ઉદ્યોગોને પ્રોત્સાહન અને ભંડોળ ઊભું કરવા કોર્પોરેશનો પર ટેક્સ લગાવવો જરૂરી છે. મજૂર વર્ગનું માળખું અને સંગઠિત કામદારોની સંખ્યાત્મક નબળાઈને જોતાં, મૂડી સાથેનો મુકાબલો ત્યારે જ સફળ થઈ શકે છે જ્યારે તે કામના સ્થળ અને વેતનની સોદાબાજીથી આગળ વધીને રાજ્યને વધુ ઊંડા અને રાજકીય સ્તરે દબાણ કરે. ટ્રેડ યુનિયન ચળવળની ડાબી પાંખ આ સારી રીતે જાણે છે કે આ કરવા કરતાં કહેવું સહેલું છે. તેમ છતાં, સમાજ જે વિરોધાભાસોને સામનો કરી રહ્યો છે અને મૂડીના વૈચારિક અને મીડિયા ઉપકરણો જેને માત્ર ધૂંધળા બનાવવાનો પ્રયાસ કરે છે તેનો પ્રતિકાર કરીને કામદારોની વર્ગ ચેતનાની બારી ખોલવાની અને તેને વિસ્તૃત કરવાની ક્ષમતા રોગચાળામાં છે.

ઓગસ્ટ 1992 માં, બોમ્બેમાં કાપડના કામદારો તેમના અન્ડર ગાર્મેન્ટ્સ(અંત:વસ્ત્રો) માં શેરીઓમાં ઉતરી આવ્યા હતા, અને ઘોષણા કરી હતી કે નવો આદેશ તેમને દારુણ ગરીબીમાં ધકેલી દેશે. તેમની સાંકેતિક ચેષ્ટા એકવીસમી સદીમાં ભારતીય કામદારોની વર્તમાન વાસ્તવિકતાને પ્રતિબિંબિત કરે છે: કામદારોએ મૂડીની વધતી શક્તિ સામે શરણાગતિ સ્વીકારી નથી. તેઓ વર્ગ સંઘર્ષ સામે જીવંત રહે છે.


બિરેન્દ્ર કુમાર યાદવ, જીવન સાધનો, 2021. કાગળ પર ચારકોલ અને પેસ્ટલ.

 

Top

Notes

1 For more, see Tricontinental: Institute for Social Research, CoronaShock: A Virus and the World, dossier no. 28, 5 May 2020, https://dev.thetricontinental.org/dossier-28-coronavirus/.

2 R. Ramakumar, ‘State Governments Can Purchase Only 25% of Vaccines – Belying Centre’s Claim of Equitable Policy’, Scroll, 11 May 2021 https://scroll.in/article/994606/state-governments-can-purchase-only-25-of-vaccines-belying-centres-claim-of-equitable-policy.%20

3 Mahesh Vyas, ‘Record Profits by Listed Companies’, Centre for Monitoring Indian Economy, 31 May 2022, https://www.cmie.com/kommon/bin/sr.php?kall=warticlet=20220531171446;msec=206

4 Government of India, Problems of the Third Plan: A Critical Miscellany (New Delhi: Ministry of Information and Broadcasting, 1961), 49–50. http://14.139.60.153/bitstream/123456789/9268/1/PROBLEMS%20IN%20THE%20THIRD%20PLAN%20A%20CRITICAL%20MISCELLANY-VB_PCL-49232.pdf

5 Government of India, Periodic Labour Force Survey (New Delhi: Ministry of Statistics and Programme Implementation, July 2020 – June 2021).

6 Tricontinental: Institute for Social Research, The People’s Steel Plant and the Fight Against Privatisation in Visakhapatnam, dossier no. Dossier no 64 55, 23 August 2022, https://dev.thetricontinental.org/dossier-55-visakhapatnam-steel-plant/

7 T. K. Rangarajan v. Government of Tamil Nadu & Others, Case no.: Appeal (civil) 5556 of 2003 (New Delhi, 6 August 2003), https://main.sci.gov.in/judgment/judis/19215.pdf

8 Vijay Prashad, No Free Left: The Futures of Indian Communism (New Delhi: LeftWord Books, 2015), 218.

9 Jyoti Punwani, ‘How 5 Reliance Workers Fighting for a Better Deal Found Themselves in Jail on Terrorism Charges’, Article 14, 29 July 2021, https://article-14.com/post/how-5-reliance-workers-fighting-for-a-better-deal-found-themselves-in-jail-on-terrorism-charges-61020ec49f652

10 Peter Wonacott, ‘Deadly Labour Wars Hinder India’s Rise’, Wall Street Journal, 24 November 2009, https://www.wsj.com/articles/SB125858061728954325

11 Subodh Varma, ‘Modi’s Rule Is Boosting Profits, Squeezing Wages’, NewsClick, 24 September 2018 https://www.newsclick.in/modis-rule-boosting-profits-squeezing-wages

12 Government of India, Periodic Labour Force Survey (PLFS)– Annual Report (New Delhi: Ministry of Statistics and Programme Implementation, July 2020 – June 2021).

13 Jan Breman, Footloose Labour: Working in India’s Informal Economy (Cambridge: Cambridge University Press, 1996).

14 Taran Deol, ‘India’s Persistently High out-of-Pocket Health Expenditure Continues to Push People into Poverty’, Down to 35 Earth, 22 September 2022, https://www.downtoearth.org.in/news/health/india-s-persistently-high-out-of-pocket-health-expenditure-continues-to-push-people-into-poverty-85070

15 Express News Service, ‘14 States Give Rs 500 or Less as Pension, Says Report’, The Indian Express, 29 September 2018, https://indianexpress.com/article/india/14-states-give-rs-500-or-less-as-pension-says-report-5378783/

16 Siddhartha Deb, The Beautiful and the Damned: A Portrait of the New India (New York: Faber and Faber, 2011), 170.

17 Shruti Srivastava and Archana Chaudhary, ‘Amidst the Digital Push, GST Transition Will Be Painful for SMEs’, The Economic Times, 23 May 2017, https://ecoti.in/hR_02a

18 Mrinalini Jha and Amit Basole, ‘Labour Incomes in India: A Comparison of PLFS and CMIE-CPHS Data’ (CSE Working Paper no. 46, Centre for Sustainable Employment, Azim Premji University, Bengaluru, February 2022), https://cse.azimpremjiuniversity.edu.in/wp-content/uploads/2022/02/Jha_Basole_PLFS_CPHS_Labour_Incomes.pdf

19 Mahesh Vyas, ‘Employment and Unemployment Rise in December’, Centre for Monitoring Indian Economy, 2 January 2023, https://www.cmie.com/kommon/bin/sr.php?kall=warticledt=20230102130713msec=290#:~:text=Thanks%20to%20this%20steady%20increase,pandemic%20month%20of%20January%202020

20 Peoples Dispatch, ‘Millions Strike in India Against Modi Government’s Policies’, Peoples Dispatch, 30 March 2022, https://peoplesdispatch.org/2022/03/30/millions-strike-in-india-against-modi-governments-policies/

Attribution-NonCommercial 4.0
International (CC BY-NC 4.0)
This publication is issued under a Creative Commons Attribution-NonCommercial 4.0 International (CC BY-NC 4.0) license. The human-readable summary of the license is available at https://creativecommons.org/licenses/by-nc/4.0/.